Author : VARSHA ADALJA
ISBN No : 9789388882262
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
`હેલિકૉપ્ટરે વિમાનની જેમ રન-વે પર દોડીને ઊડવાનું ન હતું. વિશાળ પાંખોવાળા પંખીની જેમ, સીધું જ ઊંચકાઈને આકાશમાં પહોંચી ગયું. એ સાથે અમે એક જ છલાંગે અગ્યાર-બાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયાં. કેદારનાથ હેલિપૅડ પર ઊતરવા અમારી પાસે માત્ર વીસ મિનિટ હતી. એમાં દૃષ્ટિથી સંચિત કરી શકાય તેટલું સ્મૃતિફ્રેમમાં મઢી લેવાનું હતું. અમારે ચારે તરફ પારદર્શક કાચ છે. હું અનંત ભૂરા આકાશને વિસ્તરતું જોઈ રહી છું, જાણે પાંખો ફેલાવી હું જ પંખી બની ઊડી રહી છું. નીચેની ભૂમિ એક અત્યંત વિશાળ નકશા જેવી દેખાઈ રહી છે. ચોતરફ વિસ્તરેલી ગિરિમાળાઓ જે નીચેથી આકાશને આંબતી દેખાતી હતી એ હવે ઊંચાઈનો અહં છોડી નાની અને નમ્રતા ધારણ કરેલી દેખાય છે. પર્વતો, એના લીલાછમ્મ ઢોળાવો, જળપ્રપાતો, પહાડ કોતરીને બનાવેલાં ખેતરો, ગામ આજ સુધી સઘળું અમે અલગ દૃશ્યોમાં વિભાજીત થઈને ખંડ સ્વરૂપે જોયું હતું તે અત્યારે એક અખંડ સ્વરૂપે જોઈ રહી છું. બધાં દૃશ્યો એકમેકમાં ગૂંથાયેલાં. સમગ્ર દૃશ્ય અત્યંત વિશાળ કેનવાસ પર દોરાયેલું અદ્ભુત ચિત્ર છે! જેમાં રંગો, આકૃતિઓ અને ચિત્રકારની કલ્પના સઘળાનું રસાયણ મળીને એક સિમ્ફની સર્જે છે.