Author : KAJAL OZA VAIDYA
ISBN No : 9789390521333
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : ZEN OPUS
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી. બહુ ઓછા લોકોએ નોંધ્યું હશે રીઅર વ્યૂ મિરર ભલે હોય ડ્રાઇવરની આગળ, પણ દેખાડે છે પાછળનું દૃશ્ય... આપણે સતત રીઅર વ્યૂમાં જોતા નથી! આપણે તો આગળના વિન્ડ સ્ક્રીનને પેલે પાર જોઈએ છીએ, કારણ કે નજર તો આગળના રસ્તા તરફ રાખવાની છે. જવાનું પણ આગળ છે, પાછળ નહીં.
રિવર્સ તો ક્યારેક જ કરવાનો વારો આવે. જિંદગીની ગાડી પણ આગળની તરફ જ જાય અને જવી જોઈએ... રીઅર વ્યૂમાં જોવાનું ફક્ત એટલા ખાતર કે પાછળ છૂટી રહેલો રસ્તો તદ્દન ભુલાઈ ન જાય!
[ પુસ્તકના ‘રીઅર વ્યૂ નહીં, વિન્ડ સ્ક્રીન... પ્રવાસમાં આગળની તરફ જુઓ’માંથી ]
ગાંધી હોવું એ શું, આપણને કદાચ ન સમજાય પરંતુ જ્યારે એની ક્ષણેક્ષણ એ દેશ માટે વાપરતા હોય ત્યારે એની પત્નીને કેટલો સમય આપ્યો હશે ત્યાંથી શરૂ કરીને એના સારા-ખરાબ સમયમાં હાજર રહી શક્યા હશે કે નહીં, એના મૂડસ્વિંગ્ઝ કે ચાર-ચાર ગર્ભાવસ્થા દરમિયાન એની કાળજી લઈ શક્યા હશે કે નહીં... એમણે ક્યારે અને કેટલી વાર પત્ની સાથે બેસીને વાતો કરી હશે? આ બધા સવાલો જો આજની સ્ત્રી પૂછે તો જે જવાબ મળે એ એને સ્વીકાર્ય ન હોય એમ બને, પરંતુ કસ્તુરબાએ આવા સવાલો પૂછ્યા જ નથી. એમને માટે એમનો પતિ જે કરી રહ્યો છે એ ‘ધર્મ’ છે એમ માનીને એમણે પણ કરવું જ રહ્યું એટલું જ એમના જીવનનું સત્ય બની રહ્યું છે! આ દેશીપણું, બેવકૂફી કે પતિપરાયણતાનું કોઈ શરમ આવે એવું ઉદાહરણ નથી. આજના સમયમાં જ્યારે આપણે ઈશ્વરમાં પણ શ્રદ્ધા રાખી નથી શકતા ત્યારે એક માણસમાં શ્રદ્ધા રાખવી સરળ છે?
[ પુસ્તકના ‘કસ્તુરબા : નિષ્ઠાના પ્રયોગો’ લેખમાંથી ]
આ જીવન એકલી વ્યક્તિનું નથી હોતું. એ જેને ચાહે છે એ બધાં, અને એને ચાહે છે તે બધાંનો એમના જીવન પર અધિકાર હોય છે. આપણા જીવન પર એકલા આપણે આધારિત નથી હોતા, પરંતુ આપણા સ્નેહીજન, પ્રિયજન અને પરિવારજન પણ આધારિત હોય છે. એમને નિરાધાર કરવાનો અધિકાર આપણી પાસે નથી એટલું યાદ રાખીને જવાબદારીની જેમ શરીરને સાચવવું એ પ્રાર્થના જેવી, પ્રામાણિકતા જેવી, માણસાઈ જેવી ફરજ છે.
[ પુસ્તકના ‘...તેરી મહેફિલ મેં લેકિન ‘હમ’ ન હોંગે’ લેખમાંથી ]