Author : RAVI ILA BHATT
ISBN No : 9788119644315
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
માનવસંબંધો, માનવલાગણીઓ અને પરિસ્થિતિઓને રજૂ કરતી આ વાર્તાઓ તમને તમારી પોતાની લાગશે. તમે ક્યાંક વાંચેલી, ક્યાંક સાંભળેલી, ક્યાંક જોયેલી અને કદાય અનુભવેલી હોય તેવી પોતિકી લાગણી આપશે. આપણી આસપાસ નજર દોડાવીએ અને જિજ્ઞાસાનું દૂરબિન અને ઇચ્છાના ઇયરફોન લગાવી રાખીએ તો વાતો તો અમસ્તી જ મળી જાય છે. આપણી આસપાસ જ વાર્તાઓ જીવતી હોય છે બસ જરૂર છે તેને યોગ્ય રીતે જોવાની અને જાણવાની. કુદરતે એક અદ્ભુત કેનવાસનું સર્જન કરેલું છે. અહીંયાં જે રંગો પુરાય છે તે જીવતરના રંગો હોય છે. ક્યાંક સંવેદનાનો શ્વેત રંગ હોય છે તો ક્યારેક પીડાનો પીળો તપતો રંગ આવી જતો હોય છે. ઘણી વખત વહી જતી ધગધગતી લાગણીઓનો લાલ રંગ પણ આ કેનવાસને ભરી કાઢે છે તો ક્યારેક મનની લીલોતરીનો લીલો રંગ પણ ક્યાંક છાંટ છોડી જાય છે.
ઢળતા દિવસની લાલીમા જેમ આકાશમાં ફેલાય છે તેમ ઢળતી જિંદગીએ પણ ઘણી વખત સંધ્યાની લાલીમા કલ્પનાના કેનવાસને ખૂણે કેસરિયા કરી જતી અનુભવાતી હોય છે. ચિંતાની ચિતામાં ભડકે બળતી લાગણીઓની લાશની ઊડતી સંવેદનાઓનો રાખોડી રંગ પણ કેનવાસના કાળજે ક્યારેક બાઝી જતી જોવા મલે છે. કુદરતે સર્જેલું આ રંગ વગરનું ચિત્ર એવું છે જેમાં ઘણી વખત આજીવન મહેનત કરવા છતાં રંગો પુરાતા નથી. આવાં ચિત્રો ઘણી વખત વધારે અસર કરી જતાં હોય છે.